બાળ કાવ્યોં માટે જાણીતા કવિનો પ્રથમ લેખસંગ્રહ

5

વલસાડઃ તા.૧૬: વલસાડ જિલ્લાના કવિ અને લેખક ધનસુખ પારેખે લોકડાઉન દરમિયાન તેમના લેખસંગ્રહનું પુસ્‍તક ‘ગમતાની કરીએ ઉજવણી’ પ્રકાશિત કર્યું છે. લોકડાઉનના કારણે લોકોની હાજરીમાં પુસ્‍તકનું વિમોચન થઇ શકયું ન હતું. ધનસુખ પારેખ બાળકાવ્‍ય સંગ્રહ માટે જાણીતા છે. લેખસંગ્રહ તરીકે આ તેઓનું પ્રથમ પુસ્‍તક છે.

આ પુસ્‍તકમાં ૧૨ લેખોનો સમાવેશ થાય છે. જેમાં કુદરત સાથે જીવવાની અને સામાજીક જીવનના અનેક તાણાવાણા લેખક દ્વારા બખુબી ઘડી લેવાયા છે. તેમના લેખોમાં સમાજ અને જીવનના અનેક પાસાંઓને આવરી લેવાયા છે, જે અન્‍ય માટે પ્રેરણાદાયક બની શકે છે.

મુળ વલસાડના કવિ ધનસુખભાઇ પારેખ બાળકાવ્‍ય, હાસ્‍ય ટહુકા, હાઇકુ સંગ્રહ અને તાન્‍કાના સંગ્રહ માટે પ્રખ્‍યાત છે. કાવ્‍યસંગ્રહના ૧૫ પુસ્‍તક, હાઇકુ સંગ્રહના બે પુસ્‍તક અત્‍યાર સુધીમાં પ્રકાશિત થઇ ચુકયા છે. તેમના બાળકાવ્‍ય સંગ્રહમાં ‘પાંદડે પોટયાં પતંગિયા’ અને ‘ચોકલેટનો ડુંગર’ પુસ્‍તકને ગુજરાત સાહિત્‍ય અકાદમી તરફથી પુરસ્‍કાર પણ મળ્‍યા છે. ધનસુખભાઇ માને છે કે, કમ્‍પ્‍યુટર અને ટીવીના યુગમાં પુસ્‍તકનું વાંચન ઘણું ઓછું થઇ ગયું છે ત્‍યારે તેમણે લોકડાઉન દરમિયાન લઘુ લેખો લખી ટુંકાણમાં જીવનનો હાર્દ સમજાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મને આશા છે, આ પુસ્‍તક સૌને ખૂબ જ પસંદ આવશે. વલસાડના જાણીતા બુકસ્‍ટોર્સમાં આ પુસ્‍તક મળી રહેશે.