વલસાડ જિલ્લામાંથી અત્યાનર સુધીમાં ૧૧ ટ્રેનો દ્વારા ૧૬૨૦૦ શ્રમિકોને વતન મોકલાયા

6

માહિતી બ્‍યૂરો, વલસાડઃ તા. ૧૫: કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી કરવામાં આવ્‍યું છે. આ લોકડાઉન થકી અન્‍ય રાજ્‍યના શ્રમિકોને જે તે સ્‍થળે જ રોકાવાની સૂચના આપવામાં આવી હતી. ઘણા સમયથી લોકડાઉનમાં સપડાયેલા શ્રમિકો વતનમાં જવા માટે ઉત્‍સુક બન્‍યા છે. ત્‍યારે વલસાડ જિલ્લામાંથી આજે ઉત્તરપ્રદેશ જનારી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ અવસરે ટ્રેનમાં સફર કરી રહેલા શ્રમિકોના બાળકોને જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષીએ શુભયાત્રાની શુભેચ્‍છાઓ પાઠવી નાના બાળકોને રમકડાં અને ફળો આપ્‍યા હતા.

વલસાડ જિલ્લામાંથી આજદિન સુધીમાં ૧૧ ટ્રેનો દ્વારા ૧૬૨૦૦ શ્રમિકોને વતનમાં મોકલવામાં આવ્‍યા છે., જ્‍યારે ઉત્તરપ્રદેશ, બિહાર ઝારખંડ અને અન્‍ય રાજ્‍યો માટે દશ ટ્રેનોની દરખાસ્‍ત જે તે રાજ્‍યોને મોકલવામાં આવી છે. જેની મંજૂરી મળ્‍યેથી શ્રમિકોને તેમના વતન મોકલવાની વ્‍યવસ્‍થા કરાશે. જેથી કરીને વતનમાં જવા માંગતા શ્રમિકોને શાંતિ અને ધીરજ રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં મોટાભાગના ઉદ્યોગો કાર્યરત થઇ ગયા હોવાથી શ્રમિકોને વતનમાં જવાની જરૂરિયાત ના હોય તો ધંધામાં જોતરાઇ શકે છે, તેવી અપીલ કરવામાં આવી છે.