વલસાડ જિલ્લો ફરી કોરોનાગ્રસ્ત, વાપીમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યાં

6
વાપી :- વલસાડ જિલ્લાના વાપીની જનસેવા કોવિડ હોસ્પિટલના લેબ ટેક્નિશયન સહિત 2 યુવકોના કોરોના પોઝિટિવ કેસ સામે આવતા વાપીવાસીઓનું ગ્રીન ઝોનનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. કોરોના પોઝિટિવ કેસમાં 1 યુવક ગોદાલ નગરમાં રહે છે. જ્યારે 2જો યુવાન જનસેવા કોવિડ હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન તરીકે સેવા આપે છે. બને યુવાનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તંત્ર હરકતમાં આવી કામગીરી શરૂ કરી છે.
વલસાડ જિલ્લાના વાપીમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ પહેલા વલસાડ જિલ્લામાંથી 6 કોરોના પોજીટીવ કેસ નીકળ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું સુરત હોસ્પિટલમાં નીપજેલ મૃત્યુ સાથે બાકીના 4 દર્દીઓ કોરોના મુક્ત બન્યા હતા. અને બલિઠાના છેલ્લા દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તેને થોડા દિવસોમાં રજા આપવાની હિલચાલ થઇ રહી હતી. એવામાં ફરી બે યુવકોને કોરોનાનો પોઝિટિવ કેસ નીકળતા વાપીવાસીઓમાં ફરી ડરનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાપીની જનસેવા કોવીડ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા અને પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં રહેતા તેજસ નાયક હાલ પોતાની ફરજ બજાવવા સાથે વાપી નજીક બલિઠાની વુડલેન્ડ હોટલમાં રહેતો હતો. જેનામાં કોરોના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવામા આવ્યા હતાં. જે સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.
એ જ રીતે વાપીના ગોદાલ નગર વિસ્તારમાં રહેતો મોહમ્મદ કૈફ સિદ્દીકી નામનો યુવાન કે જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેને પણ સામાન્ય તકલીફ જણાતા તેના સેમ્પલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આમ લોકડાઉન ખુલવાના ટાણે જ વાપીમાં એક જ દિવસમાં બે કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે.
હાલ બંને દર્દીઓને વાપીની જનસેવા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અને બંને અત્યાર સુધી કોના કોના સંપર્કમાં આવ્યા છે. તેની તપાસ શરુ કરવામાં આવી છે, આ બંને યુવકો જે જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારને સૅનેટાઇઝ કરીને તેને સીલ મારવાની અને સમગ્ર વિસ્તારને ક્લસ્ટર કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી પણ તંત્ર દ્વારા હાથ ધરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જે એક દર્દી સારવાર હેઠળ છે. તે તસેલ બલિઠા ગામનો જ વતની છે. અને તેના ગેરેજથી 300 મીટર દૂર જ વુડલેન્ડ હોટેલ આવેલી હોય 14 દિવસથી ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલું બલિઠા હવે 28 દિવસ માટે ફરી ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં જ રહેશે જેને લઈને ગામ લોકોની લોકડાઉન ખુલવાની અને ગ્રીન ઝોનમાં જવાની આશા ફરી ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોનમાં જ રહી ગઈ છે.